Home ગીતશાસ્ત્ર 80 · ગુજરાતી બાઇબલ

ગીતશાસ્ત્ર

Chapter 80

ગુજરાતી બાઇબલ
1હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા. કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ, અમને પ્રકાશ આપો!
2એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો! અમને તારવાને આવ.
3હે દેવ, અમને તમે ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4હે સૈન્યોના યહોવા દેવ, ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
8તમે વિદેશી રાષ્ટોને હાંકી કાઢયા અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી, તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા, અને તેનાથી દેશ ભરપૂર થયો.
10તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા, અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો, અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે, જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17તમારા જમણા હાથે જે માણસ છે, અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ; અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું .
19હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme