ગીતશાસ્ત્ર
Chapter 118
ગુજરાતી બાઇબલ1યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”
3હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ, “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8માણસો પર ભરોસો રાખીએ તે કરતાં; યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં; યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.
14પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે; તે જ મારું તારણ થયા છે.
15સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે, યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18યહોવાએ મને ભારે શિક્ષા કરી, પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ; અને યહોવાનો આભાર માનીશ.
20એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે; યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે; અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23આ કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે; આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો; હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે. બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ; તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.