Home અયૂબ 34 · ગુજરાતી બાઇબલ

અયૂબ

Chapter 34

ગુજરાતી બાઇબલ
1અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું;
2“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.
3જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે, તેમ કાન શબ્દોને પારખી શકે છે.
4ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે, ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે.
5કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું અને દેવ મારી સાથે ન્યાયી નથી.
6હું નિદોર્ષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું; એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે; પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’
7અયૂબના જેવો બીજો કોણ છે? અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે.
8એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે, એ દુષ્ટ લોકોની સાથે ફરે છે.
9તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ તેને કોઇ લાભ નથી.’
10તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.
11તે માણસે જે કર્યુ હશે તેનો બદલો તે માણસને દેવ આપશે.
12દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી.
13પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી. કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી. દેવેજ બધી વસ્તુઓ બનાવી છે અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે.
14જો દેવ પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે.
15તો તમામ સજીવોનો વિનાશ થાય અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય.
16જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો.
17જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે? દેવ ન્યાયી અને પરાક્રમી છે. શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ?
18શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’
19દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.
20એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે. જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે. મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી.
21કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે. તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
22દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઇ પડદો કે અંધકાર નથી.
23દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી. દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી.
24જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે, તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી. તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે.
25તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે.
26દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કમોર્ કર્યા છે તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે.
27કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે, તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી.
28તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે.
29પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી.
30અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે.
31શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.
32દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’
33અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે. પણ તારે તે બદલવું નથી. અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી. મને કહે તું શું જાણે છે.
34ડાહ્યો માણસ મને સાંભળશે ડાહ્યો માણસ કહેશે.
35‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’
36મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ. કારણકે અયૂબ અમને દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે. અંત સુધી તેની કસોટી થવી જોઇએ.
37અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે. અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે. અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme