Home અયૂબ 20 · ગુજરાતી બાઇબલ

અયૂબ

Chapter 20

ગુજરાતી બાઇબલ
1પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:
2“હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.
3તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.
4શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી
5દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?
6એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય;
7પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’
8સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
9જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ. તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે.
10દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે.
11તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા. પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે.
12તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે. દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે.
13દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે. તે તેનાથી છૂટવા માગતો નથી. તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે.
14પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે. તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન.
15એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે. દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે.
16એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું. સાપનો એ ડંખ એને મારી નાંખે છે.
17તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.
18એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે. જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ.
19કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.
20તે કદી ધરાયો નથી. તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ.
21તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી. તેની સફળતા સતત રહેતી નથી.
22એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે. તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે.
23જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે, દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે. દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે.
24જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો કાંસાનું બાણ એને વીંધી નાખશે.
25તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે, અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે. તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તે ભયથી આઘાત પામશે.
26તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે. પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી. તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે.
27આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે; પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
28જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે.
29દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે. “
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme