Home અયૂબ 30 · ગુજરાતી બાઇબલ

અયૂબ

Chapter 30

ગુજરાતી બાઇબલ
1“પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે. તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે. અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ.
2એ યુવાન માણસોના પિતાઓ મને મદદ કરવા માટે ખૂબ નિર્બળ છે. તેઓ વૃદ્ધ અને થાકેલા છે. તેઓના સ્નાયુઓ હવે મજબૂત અને કઠણ રહ્યાં નથી.
3ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે.
4તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને છોડના મૂળીયાં ખાય છે.
5તેઓના નાગરિક તરીકેના હક પણ છીનવી લેવાયા હતાં. લોકો તેઓની પાછળ દોડતા હતા, જાણે તેઓ ચોર હોય અને પીછો થઇ રહ્યો હોય.
6તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
7તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે. તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
8તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.
9હવે તે માણસોના પુત્રો અનુપ્રાસવાળી કવિતા ગાઇ મારી મશ્કરી કરે છેે. હું તેઓ મધ્યે મશ્કરી રૂપ બન્યો છું.
10તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી.
11દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે અને મને દુર્બળ બનાવી દીધો છે.
12તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે. કબજે કરેલા નગર જેવું મને લાગે છે. હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે.
13તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઇની મદદની જરૂર નથી.
14તેઓ દિવાલમાં એક કાણું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
15હું ભયથી જુ છું, એ યુવાન માણસો જેમ પવન વસ્તુઓને ફૂંકી નાખે તેમ મારા સ્વમાન પાછળ પડ્યા છે. મારી સુરક્ષા વાદળોની જેમ ચાલી ગઇ છે.
16હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું. દુ:ખના દિવસોએ મને ઘેરી લીધો છે.
17રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.
18દેવે મારો કાંઠલો પકડ્યો અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે.
19દેવે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
20હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
21તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો. તમે તમારી શકિતનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
22દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો. તમે મને હવાના તોફાનમાં ઊછાળો છો.
23હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.
24મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે.
25શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી? દીનદુ:ખિયાઓ માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
26તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો.
27મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી. અને પીડા હજી તો શરૂજ થઇ છે.
28હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું. જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.
29હવે હું રડતાં શિયાળવા જેવો અને ચીખતાં શાહમૃગો જેવો બની ગયો છું.
30મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે.
31તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે વ્યથાનું સંગીત સંભળાય છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme