Home અયૂબ 12 · ગુજરાતી બાઇબલ

અયૂબ

Chapter 12

ગુજરાતી બાઇબલ
1ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,
2“હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!
3પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું?
4‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિદોર્ષ છું છતાં તેઓ હસે છે.
5જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે. સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે.
6ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.
7પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે, જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.
8અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.
9દરેક વ્યકિત જાણે છે કે આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે.
10બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે.
11જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે.
12અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’
13પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે. સમજ અને સત્તા તો તેની પાસે જ છે.
14તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી. જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી.
15જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે.
16દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે. છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.
17તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે.
18રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે, અને તેમને શકિતશાળી બનાવે છે.
19તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.
20વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે, અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.
21દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
22દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે, તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે.
23તે રાષ્ટને મોટું બનાવે છે પછી તેના લોકોને વિખેરી નાખે છે.
24તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા,
25ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme