Home અયૂબ 32 · ગુજરાતી બાઇબલ

અયૂબ

Chapter 32

ગુજરાતી બાઇબલ
1પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિદોર્ષ હતો.
2પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિદોર્ષ અને દેવને દોષિત માનતો હતો.
3વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો.
4તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;
5પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો.
6બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
7મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
8પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.
9માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી.
10માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ મારો મત દર્શાવીશ.’
11જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.
12તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ. અયૂબને સામો જવાબ આપ્યો નહિ.
13તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ . દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ.
14એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી, અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ.
15અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે, તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી, એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.
16અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે.
17ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ, હું જે વિચારું છું તે કહીશ.
18મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
19હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.
20મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.
21હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું.
22મને પ્રશંસા કરતાઁ નથી આવડતું, જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme