Home યશાયા 44 · ગુજરાતી બાઇબલ

યશાયા

Chapter 44

ગુજરાતી બાઇબલ
1યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, “મારા પસંદ કરેલા, મને સાંભળ.
2“હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.
3“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.
4તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,
5“તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”
6ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.
7આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.
8ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”
9જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.
10કોણ દેવની મૂર્તિ બનાવશે જે તેને સહેજ પણ સહાય કરી શકતી નથી?
11જરા થોભો અને જુઓ આ સર્વ મૂર્તિઓની પૂજા કરનારા ભેગા થશે અને તેમની ફજેતી થશે. અને મૂર્તિઓને ઘડનારા સર્વ કારીગરો પણ માણસો જ છે. તેમને ભેગા થઇને મારી સામે ઊભા તો રહેવા દો; બધા ધ્રુજી ઊઠશે અને ફજેત થશે.”
12લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.
13સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.
14માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.
15પછી તે લાકડાનો કેટલોક ભાગ બળતણ તરીકે પોતાને હૂંફાળા બનાવવા માટે વાપરે છે અને તેના પર રોટલી શેકે છે. બાકી રહેલા લાકડામાંથી તે પોતાને માટે દેવ બનાવે છે-લોકો ભકિત કરી શકે માટે દેવ બનાવે છે! પગે લાગવા માટે તે મૂર્તિઓ ઘડે છે.
16અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.”
17બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”
18એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા.
19એવો માણસ કદી વિચાર કરતો નથી, “આ તો લાકડાંનો ટુકડો છે! મેં તેને અગ્નિમાં બાળીને તાપણી કરી છે. અને રોટલી તથા માંસ શેકવા તેનો ઉપયોગ કર્યો છે, તો પછી બાકી રહેલું લાકડું તેનો દેવ કેવી રીતે બની શકે? તો શું મારે ફકત આ લાકડાના ટુકડા આગળ નમવું જોઇએ?”
20પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”
21યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે, હે ઇસ્રાએલ, તું મારો સેવક છે. મેં તને ઉત્પન્ન કર્યો છે, અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
22મેં તારા અપરાધોને વાદળની જેમ હઠાવી દીધા છે. તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યાં છે. તું મારી પાસે પાછો આવ, કારણ હું તારો ઉપાસક છું.”
23ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
24તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે, “સર્વનો સર્જનહાર હું યહોવા છું; મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે. મેં જ્યારે આ પૃથ્વીને પાથરી ત્યારે મારી મદદમાં કોણ હતું?”
25હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.
26પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” “યહૂદાના શહેરોને હું કહું છું,” તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.
27સાગરને હું કહું છું, “તું સુકાઇ જા, તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે, અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે; અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme