યશાયા
Chapter 21
ગુજરાતી બાઇબલ1સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી: દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની જેમ, રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી સૈન્ય આવી રહ્યું છે.
2મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે; વિશ્વાસઘાતી છેતરતો જ જાય છે અને વિધ્વંસી વિનાશ કર્યે જ જાય છે. કોઇ કહે છે, “હે એલામ, ચઢાઇ કર! ઘેરો ઘાલ; હે માદાય! હું બાબિલને આપેલા દુ:ખભર્યા નિ:સાસાનો અંત લાવીશ.”
3તે જોઇને વેદનાથી મારા અંગો કળે છે, પ્રસૂતાની પીડા જેવી પીડા મને ઘેરી વળે છે, હું એવો બાવરો થઇ ગયો છું કે કશું સાંભળી શકતો નથી, એવો ભયભીત થઇ ગયો છું કે કશું જોઇ શકતો નથી.
4મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું, જે સંધ્યાને હું ઝંખતો હતો તે જ મને ભયથી થથરાવી રહ્યો છે.
5ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે, જાજમ પથરાઇ ગઇ છે, “લોકો ખાય છે, પીએ છે,” ત્યાં હુકમ છૂટે છે. “સરદારો ઊઠો, યુદ્ધ માટે ઢાલોને તૈયાર કરો.”
6પછી યહોવા મારા દેવે મને એમ કહ્યું કે, “જા, ચોકીદાર ગોઠવી દે; અને એને કહે કે જે જુએ તેની ખબર કરે.
7જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.”
8પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો, “હે યહોવા મારા પ્રભુ, હું આખો દિવસ ચોકીના બુરજ પર ઊભો રહું છું, આખી રાત હું મારી જગાએ ઊભો રહી ચોકી કરુ છું.
9જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.” તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની બધી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને ભોંયભેંગી કરી છે.”
10હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે જ તમને જણાવ્યું છે.
11દૂમાહને લગતી દેવવાણી. મને કોઇક આદોમથી વારંવાર પૂછી રહ્યું છે, “હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે? હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે?”
12ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ, જો તમારે પૂછવું જ હોય તો પૂછો; પાછા આવો.”
13અરબસ્તાન વિષે દેવવાણી: હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો.
14તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો; ભાગી આવેલાઓને સામે જઇને રોટલો આપો!
15કારણ, એ લોકો તરવારથી, તાતી તરવારથી, ખેંચેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધથી ભાગીને આવ્યા છે.
16પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.
17અને કેદારના શૂરવીર ધનુર્ધારીઓમાંના થોડા જ બાકી રહેશે.” આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.