Home યશાયા 16 · ગુજરાતી બાઇબલ

યશાયા

Chapter 16

ગુજરાતી બાઇબલ
1રણમાં આવેલા સેલા નગરમાંથી મોઆબના લોકો ડુંગર પર આવેલા યરૂશાલેમમાં વસતા દેશના અમલદારોને માટે હલવાન મોકલો.
2પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.
3તેઓ યહૂદાના લોકોને કહે છે, “અમને સલાહ આપો, ન્યાય કરો, મધ્યાહને તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; શરણાથીર્ઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
4અમને મોઆબમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે, અમને તમારે ત્યાં વસવા દો. અમારો નાશ કરનાર હાથમાંથી અમારું રક્ષણ કરો.” જ્યારે અત્યાચાર બંધ પડ્યો હશે અને અન્યાયનો અંત આવ્યો હશે. અને દેશને પગતળે રોળી નાખનારાઓ જ્યારે દેશમાંથી ચાલ્યા ગયા હશે.
5ત્યારે દાઉદનો એક વંશજ તેના સિંહાસન પર બેસશે અને તે દયા અને નિષ્ઠાપૂર્વક રાજ્ય કરશે. તે ન્યાય અને પ્રામાણિકપણે વર્તવામાં સદા તત્પર રહેશે.
6યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે, કેવો ભારે ઘમંડ! તેના અભિમાન, તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે, પણ તેની બડાશો બધી ખોટી છે.
7આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું, ભારે આફતમાં તેઓ આવી જશે. અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.
8કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.
9એટલે હું યાઝેરના લોકોની સાથે સિબ્માહની દ્રાક્ષકુંજો માટે રડીશ, હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ, કારણ કે તમારો પાક લણનારાઓનો કલશોર સંભળાતો નથી,
10તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.
11આથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ રણજણી ઊઠે છે, અને કીર-હેરેસથને માટે મારો અંતરાત્મા કકળે છે.
12મોઆબના લોકો પર્વત પરનાં ઉચ્ચસ્થાનકોએ પ્રાર્થના કરવા જઇને થાકી જશે, તોયે કશું વળવાનું નથી.
13યહોવાએ ભૂતકાળમાં મોઆબ વિષે ઉચ્ચારેલાં વચનો આ પ્રમાણે છે.
14અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme