Home યશાયા 14 · ગુજરાતી બાઇબલ

યશાયા

Chapter 14

ગુજરાતી બાઇબલ
1કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.
2ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે.
3હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને તમારા કલેશથી તથા તમારા સંતાપથી અને તમે વેઠેલી સખત મજૂરીમાંથી તમને મુકિત આપશે.
4તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે, “સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે,” તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!
5યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.
6તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે. તમે તેઓને સતત માર્યા છે, તમે તમારા ક્રોધમાં તેમના પર ડંખીલુ શાસન કર્યુ છે તમે પ્રજાની પર જુલમ ગુજારતાં અટક્યા નથી.
7સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે. લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે.
8હે બાબિલનાં રાજા, તારી દશા જોઇને સરુના વૃક્ષો અને લબાનોનના ગંધતરુઓ આનંદમાં આવીને કહે છે, “તું કબરમાં સૂતો ત્યારથી કોઇ કઠિયારો અમને કાપવા આવ્યો નથી!”
9પાતાળમાં રહેલા શેઓલમાં ખળભળાટ અને ઉશ્કેરાટ મચી ગયો છે. અને તે તમે જ્યારે આવો ત્યારે તમારું સ્વાગત કરવા માટે આતુર છે. પૃથ્વી પરના બધા રાજાઓના આત્માઓ તમારું અભિવાદન કરવા પોતાના આસન પરથી ઉભા થઇ ગયા છે.”
10તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે. “તું પણ અમારા જેવો નબળો નીકળ્યો! અમારામાંનો એક બની ગયો!”
11તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે. તું શેઓલમાંપહોંચી ગયો છે. તારી પથારી અળસિયાઁની છે અને કૃમિ જ તારું ઓઢણ છે!
12હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”
15પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે, પાતાળને તળિયે પહોંચી ગયો છે!
16જ્યારે જે કોઇ તને જોશે, તે તારા તરફ ટીકી રહેશે અને વિચાર કરશે કે, “શું આ એ માણસ છે, જેણે પૃથ્વીને ધ્રૂજાવી હતી, રાજ્યોને ડોલાવ્યાં હતાં જેણે જગતને અરણ્ય સમાન બનાવી દીધું હતું.
17નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં. અને જેણે કદી પોતાના કેદીઓને છોડી મૂકીને ઘેર જવા દીધા નહોતા?”
18બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક પોતપોતાની કબરમાં સૂતેલા છે.
19પણ તને તો કબર પણ મળી નથી. તારા શબને તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવ્યું છે. તારું કચડાયેલું શબ, યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.
20તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે. તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ, તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન પણ ન રહેવું જોઇએ.
21એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો, જેથી તેઓ ફરીથી ઊભા થઇ શકે નહિ, દેશને જીતી શકે નહિ અને પૃથ્વીના નગરોને ફરીથી બાંધે નહિં.”
22સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું બાબિલની સામે થઇશ, હું તેનું નામોનિશાન ભુંસી નાખીશ, એનો વંશવેલો નિર્મૂળ કરી નાખીશ.
23“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.
24સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે.
25હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.
26આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”
27સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?
28જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.
29હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે.
30પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.
31હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો, હે પલિસ્તીઓ, તમે સૌ ભયથી થથરી ઊઠો! કારણ ઉત્તરમાંથી તોફાનની જેમ સૈન્ય આવે છે અને એમાં કોઇ ભાગેડુ નથી.
32બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો? એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme