Home Bibles નીતિવચનો 21 · ગુજરાતી બાઇબલ ||

નીતિવચનો

Chapter 21

ગુજરાતી બાઇબલ
1રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે. 2વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલાં સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે. 3યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે. 4ઘમંડી આખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધાં પાપ યુકત છે. 5વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે. 6જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે. 7દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માગેર્ ચાલવાનો ઇન્કાર કરે છે. 8અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે. 9કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે. 10દુષ્ટ વ્યકિત અનિષ્ટ ઇચ્છે છે. તે પોતાના પડોશીઓ સાથે દયાળુતાથી વર્તતો નથી. 11જ્યારે ઘમંડી વ્યકિતને શિક્ષા થાય છે, ત્યારે જ સરળ વ્યકિત શાણો બને છે ઉપદેશ મળતા શાણી વ્યકિતના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. 12ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટમાગોર્ના પરિણામો પાસે તેમને મોકલી આપે છે. 13જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ. 14છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે. 15ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે. 16સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે. 17જે મોજશોખનો રસિયો છે; તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો કયારે પણ ધનવાન નહિ બને. 18દુષ્ટ લોકોનો બદલો નીતિમાન લોકો અને પ્રામાણિક માણસોનો બદલો કપટીને ભરવો પડશે 19કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઇ રહેવું સારું છે. 20જ્ઞાની વ્યકિતના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ તેને સ્વાહા કરી જાય છે. 21નીતિમત્તા અને વફાદારીના માગેર્ ચાલનારને જીવન, નીતિમત્તા અને સન્માન મળે છે. 22જ્ઞાની વ્યકિત લડવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે તેની ઉપર આક્રમણ કરી શકે છે. 23જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે. 24અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે; તેનાં પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે. 25આળસુ વ્યકિતની ઇચ્છાઓ જ તેને મારી નાખે છે. કારણ, તેના હાથ કામ કરવાની ના પાડે છે. 26દુર્જન આખો દિવસ લોભ જ કર્યા કરે છે. પરંતુ ધમીર્ છૂટે હાથે આપે છે. 27દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું? 28જૂઠી સાક્ષી પૂરનારનું નાશ પામશે, પરંતુ જે વ્યકિત ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. 29દુર્જન અનિષ્ટ કરવા માટે કૃત્તનિશ્ચયી હોય છે; પણ સજ્જન વ્યકિત તો પોતાનો માર્ગ સત્ય છે તે જાણે છે. 30કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી. 31યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે.

Choose Theme