Home Bibles ગીતશાસ્ત્ર 68 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 68

ગુજરાતી બાઇબલ
1હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ. 2તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો. 3પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ; હા, સૌ અતિ આનંદ કરો. 4દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સડકો બાંધો; જેમનું નામ છે યાહ, તેમની સામે ઉલ્લાસ કરો. 5આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે. 6દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે. 7હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં, અને તમે વેરાન રણમાં કૂચ કરી. 8દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું. 9હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો; અને સૂક્કી જમીનને તાજી કરી. 10ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી. 11જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું. લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે. 12“ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે. 13જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.” 14જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે, તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે. 15બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે, બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે. 16હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો? કે જેને યહોવા પોતાને રહેવા માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે. 17યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે; અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે. 18જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસોપાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા. 19ધન્ય છે પ્રભુને, કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે, અને તેઓજ સૌનું તારણ કરે છે. 20તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે, યહોવા જ આપણા તારણના દેવ છે. 21પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ, તેઓ અપરાધના માગોર્ છોડી દેવાની ના પાડે છે. 22મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ. 23જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો, અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.” 24હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે! તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે. 25આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે. તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે. 26હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો; ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો. કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે. 27બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, ઝબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે. 28હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ, તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય. 29યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં રાજાઓ ઉપહારો લઇને આવે છે. 30બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો, રાષ્ટોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો. 31મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે. કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે. 32હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ, અને યહોવાનું સ્તવન કરો. 33પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા, એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો. 34પરાક્રમ કેવળ દેવનું છે, તેમની સત્તા ઇસ્રાએલ પર છે; તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે. 35હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો, ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે, તેમને ધન્ય હો!

Choose Theme