Home Bibles નિર્ગમન 27 · ગુજરાતી બાઇબલ ||

નિર્ગમન

Chapter 27

ગુજરાતી બાઇબલ
1વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય. 2ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી. 3“અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે. 4અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. 5અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. 6“અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે. 7વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. 8વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.” 9“મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. 10પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા. 11ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. 12“એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય. 13પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. 14પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. 15અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય. 16“પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે. 17ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય. 18આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. 19પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ. 20“દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો. 21હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”

Choose Theme