નીતિવચનો
Chapter 15
ગુજરાતી બાઇબલ
1નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.
2જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.
3યહોવાની દ્રષ્ટિ સર્વત્ર હોય છે તે ભલા અને ભૂંડા બધાં પર લક્ષ રાખે છે.
4ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.
5મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
6સજ્જનના ઘરમાં ધનનો ભંડાર છે. પણ દુર્જનની કમાણીમાં આફત હોય છે.
7જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
8દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
9દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માગેર્ ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.
10સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.
11શેઓલ તથા અબદોનયહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!
12તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.
13જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
14જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.
15દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.
16મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.
17સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.
18ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.
19આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.
20ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.
21અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.
22સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.
23પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
24જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.
25યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.
27જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.
28સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.
29યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.
30આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.
31જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
32શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે. પણ સુધરવા માટેની શિક્ષા સાંભળનાર સમજણ મેળવે છે.
33યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.