Home હબાક્કુક 3 · ગુજરાતી બાઇબલ

હબાક્કુક

Chapter 3

ગુજરાતી બાઇબલ
1પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.
2હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે, અને મને ચિંતા થાય છે, ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો. આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો, તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
3દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે. તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે; તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
4સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી; ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
5મરકી જાય છે તેની આગળ આગળ, ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
6તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.
7મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે; મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
8હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો? શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો? શું તમારો ક્રોધ સમુદ્ર પર છે? જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?
9જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો, તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી, પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.
10થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો, મૂશળધાર વરસે છે વરસાદ, અને સાગર કરે છે ઘોર ગર્જના, ને હેલે ચડે છે તેના મોજા કેવા!
11રા વેગીલા બાણોના ઝબકારથી, અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી; સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
12તમે ગુસ્સામાં પૃથ્વી પર પગ પછાડો છો, અને ક્રોધમાં, પ્રજાઓને પગતળે કચડી નાખો છો.
13તમે તમારા લોકોના ઉધ્ધારને માટે, વળી તમારા અભિષિકતના ઉધ્ધારને માટે પણ બહાર ગયા. તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.
14તમે લડવૈયાઓના માથા તેમના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો. જ્યારેે તેઓ વાવાઝોડાની જેમ અમને મારી નાખવા આવ્યા. સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા લોકોની જેમ તેઓ આનંદ માને છે.
15તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો, ત્યારે પાણી ખળભળી જાય છે.
16એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.
17ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન ન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,
18છતા હું યહોવાથી આનંદિત રહીશ, અને દેવ, જે મારું તારણ છે, તેનાથી હું આનંદિત થઇશ.
19યહોવા મારા પ્રભુ મારું બળ છે; તે મને હરણના જેવા પગ આપશે અને તે મને સુરક્ષાથી પર્વતો ઉપર લઇ જશે.મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવું. 
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme