યર્મિયાનો વિલાપ
Chapter 17
ગુજરાતી બાઇબલ1યહોવા તરફથી વાણી મને આ પ્રમાણે સંભળાઇ:
2“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે:
3તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું;રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું.
4અને વૃક્ષની તે ડાળીને ટોચે રહેલી નવી ડાળો તેણે તોડી નાખી કનાન દેશ લઇ જઇ વેપારીઓના નગરમાં રોપી.
5ત્યાર પછી તેણે એક બીજ તે જમીન પરથી લીધું અને નદીકાંઠાની ફળદ્રુપ ભૂમિમાં વાવ્યું, જ્યાં પાણીનો તોટો નહોતો. અને તેણે તે બીજને પાણી પાયું.
6વેલો વધવા લાગ્યો અને તે વધીને ઊંચો ન થયો પણ બધી દિશામાં ફેલાઇ ગયો. તેની શાખાઓ ઉગી ત્યાં નવા ફણગાં ફૂટયાં અને તેનાં મૂળ ઊંડા ગયાં. આખો વેલો ડાળીઓ અને કૂંપળોમાં ફેલાઇ ગયો.
7એવામાં બીજો એક મોટો ગરૂડ આવ્યો. તેની પાંખો વિશાળ હતી. તેને પુષ્કળ પીછાં હતાં. પેલા દ્રાક્ષના વેલાએ પોતાનાં મૂળીયાં તેના તરફ વાળ્યાં, ડાળીઓ તેના તરફ ફેલાવી, એવી આશાએ કે તે એને જ્યાં ઊગેલો હતો તે બગીચા કરતા વધારે પાણી પાશે.
8જો કે આ દ્રાક્ષાવેલો પુષ્કળ પાણીવાળો અને ફળદ્રુપ જમીનમાં રોપેલો હતો. તેથી પુષ્કળ પાંદડાં અને ફળો તેને લાગે તેમ હતું. અને તે ઊંચી પ્રકારનો દ્રાક્ષાવેલો બની શકે તેમ હતું.”
9“તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: આ વેલો ફૂલશેફાલશે ખરો? પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે? એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય? એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે?
10એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો? જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય? જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?”
11ત્યાર બાદ યહોવાની વાણી મને સંભળાઇ:
12“તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો.
13તેણે રાજાના કુટુંબના એક માણસ સાથે કરાર કર્યો અને તે પાળવાનું તેની પાસે વચન લીધું.
14એ દેશ પોતાનો તાબેદાર થઇને રહે, બળવો ન કરે, અને સંધિનું પાલન કરે એ માટે એ દેશના મુખ્ય માણસોને બાન તરીકે પકડી ગયો.
15પણ યહૂદાના રાજાએ તેની સામે બળવો કર્યો અને ઘોડાઓ અને મોટી સેના મેળવવા માટે દૂતોને મિસર મોકલ્યા, એ ફાવશે ખરા? સંધિનો ભંગ કરીને તે સજા વગર છટકી શકશે?”
16ના! યહોવા કહે છે કે, “હું ખાતરી પૂર્વક કહું છું કે ઇસ્રાએલનો રાજા મૃત્યુ પામશે. જે રાજાએ તેને અધિકાર આપ્યો અને જેના કરારનો ભંગ કર્યો તે રાજાના દેશમાં એટલે બાબિલમાં સિદકિયા મૃત્યુ પામશે.
17જ્યારે બાબિલનો રાજા યરૂશાલેમની આસપાસ ઘેરો નાખશે અને ઘણાં લોકોની હત્યા કરવા માટે લશ્કરને ઊભું કરશે ત્યારે મિસરનો રાજા ફારુન અને તેનું વિશાળ સૈન્ય ઇસ્રાએલને સહાયરૂપ બની શકશે નહિ.
18તેણે પોતાની પ્રતિજ્ઞાનો અને કરારનો ભંગ કર્યો છે, જો કે તેણે આ બધું કર્યું છે એટલે તે છટકી શકશે નહિ.”
19આથી યહોવા મારા માલિક કહે છે: “હું મારા જીવનના સમ ખાઇને કહું છું કે, એણે મારે નામે લીધેલી પ્રતિજ્ઞાનો અને સંધિનો ભંગ કર્યો છે, તેનો બદલો લીધાં વગર હું નહિ છોડું.
20હું તેના પર મારી જાળ નાખીને તેને પકડી લઇશ અને હું તેને બાબિલમાં લઇ જઇશ અને મારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ, હું તેને ન્યાયાલયમાં ઢસડી જઇશ.
21એનાં ચુનંદા યોદ્ધાઓ યુદ્ધમાં મરી જશે અને બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઇ જશે. ત્યારે તમને ખબર પડશે કે આ હું યહોવા બોલ્યો છું.”
22યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:“હવે હું પણ એરેજ વૃક્ષની ટોચ પરની કુમળી ડાળી લઇને તેને ઇસ્રાએલમાં ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.
23ઇસ્રાએલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ. એને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, અને એ ભવ્ય એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારના પંખીઓ એની વિશાળ શાખાઓની છાયામાં વાસો કરશે.
24વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.