ચર્મિયા
Chapter 10
ગુજરાતી બાઇબલ1હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો;
2તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
3તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી, તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે; કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે.
4અને પછી સોનારૂપાથી શણગારી છે. તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે, જેથી પડી ન જાય.
5ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ તેઓના દેવ ત્યાં ઊભા રહે છે! તે બોલી શકતા નથી, તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે. આવા દેવોથી ડરશો નહિ, તે કશી ઇજા કરી શકે તેમ નથી, તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”
6હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી. તમે કેવા મહાન છો અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે!
7હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.
8મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
9તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને એને શણગારે છે અને જાંબુડિયાં અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે. એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
10પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.
11યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”
12પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી, પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી, પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13તોફાની વાદળોની ગર્જનાઓથી તેમના અવાજનો પડઘો પડે છે, તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે. જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.
14તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15નકામી છે, હાંસીપાત્ર છે. દેવ તેમને સજા કરશે ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16પણ યાકૂબનો દેવ એવો નથી; તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે. તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”
17યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે, તેઓ તમારો સામાન બાંધો અને હવે જવાને માટે તૈયાર રહો.”
18કારણ કે તે એમ કહે છે કે, “આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ, એક પણ માણસ બચવા પામશે નહિ.”
19લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે, તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે; આતો ફકત એક બિમારી જ છે અને અમે આ સહન કરી શકીશું.”
20પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે, એનાં દોરડાં તૂટી ગયા છે; અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે; એક પણ રહ્યો નથી; અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઇ નથી!”
21આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે; તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી. અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની જેમ વેરવિખેર થઇ ગયા છે.
22સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો, તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની કોતરોમાં ફેરવી નાખશે.
23હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24તેથી હે યહોવા, તમે અમને સાચે માગેર્ વાળો. અમને પ્રમાણસર શિક્ષા કરો, રોષમાં આવીને નહિ, નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.
25તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.