એસ્તેર
Chapter 6
ગુજરાતી બાઇબલ1તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે કાળવૃત્તાંતોનું પુસ્તક મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું.
2તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી.
3આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”
4તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણેે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,
5તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે.”રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”
6અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ? હામાને વિચાર્યું કે, રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”
7એટલે હામાને રાજાને કહ્યું કે, જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય,
8તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો;
9પછી એ લાંબા ઝભ્ભાઓ અને ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા મુખિયાને સોંપો અને તે માણસને એ પોશાક પહેરાવવા અને તેને ઘોડા પર બેસાડી નગરની ગલીઓમાં તેને ફેરવો એમ જાહેર કરતા, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તે વ્યકિતનું આવી રીતે સન્માન કરવું.”એમ જાહેર કરવામાં આવે.
10ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.
11આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, ‘રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.’ એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.
12પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો.
13પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”
14હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.