Home આમોસ 2 · ગુજરાતી બાઇબલ

આમોસ

Chapter 2

ગુજરાતી બાઇબલ
1યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ.
2હું મોઆબને આગ લગાડીશ અને આગ કરીયોથના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરી દેશે. યુદ્ધના આક્રંદ અને રણશિંગડાંના અવાજો મધ્યે મોઆબ નાશ પામશે.
3હું તેના રાજકર્તાને ત્યાંજ મારી નાખીશ અને તેની સાથે તેના સર્વ અમલદારોને મારી નાખીશ.” આ યહોવાના વચન છે.
4યહોવા કહે છે: “યહૂદિયાએ વારંવાર પાપ કર્યુ છે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. એ લોકોએ મારા નિયમોનો અનાદર કર્યો છે, અને મારી આજ્ઞાઓ માની નથી. તેમના પિતૃઓ જે ખોટા દેવોને અનુસરતા હતા તેમણે તેમને ખોટે માગેર્ દોર્યા છે; આથી હું તેમને જરૂર સજા કરીશ.
5હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.”
6યહોવા કહે છે: “ઇસ્રાએલના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તે ભૂલીશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેઓએ ન્યાયી લોકોને ચાંદીના બદલામાં વેચ્યા છે અને ગરીબોને બૂટની જોડીના બદલામાં વેચ્યા છે.
7તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે.
8તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.
9“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.
10“વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો.
11મેં તમારા પુત્રોમાંથી અનેકને પ્રબોધકો અને નાઝીરીઓ બનાવ્યા. હે ઇસ્રાએલના લોકો, શું એ સાચું નથી?” આ હું યહોવા કહું છું.
12પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ.
13જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ.
14અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.
15ધનુર્ધારીઓ તેઓની જમીન કબ્જામાં રાખી શકશે નહિ અને જેઓ ઝડપથી દોડી શકે છે તેઓ પોતાને બચાવવા ભાગી શકશે નહિ અને ઘોડેસવારો તેઓનો પોતાનો જીવ બચાવી શકશે નહિ.
16યોદ્ધાઓમાનો સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એમ યહોવા કહે છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme