Home Bibles ગીતશાસ્ત્ર 69 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 69

ગુજરાતી બાઇબલ
1હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે, મારી રક્ષા કરો. 2કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી, હું ઊઁડા જળમાં આવી પડ્યો છું, જળપ્રલયે મને ડૂબાડી દીધો છે. 3હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે. મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે. 4જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના વાળથી વધારે છે; હું નિદોર્ષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે. તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે. કહે છે મેં વસ્તુઓ ચોરી હતી. તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે. 5હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો, અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી. 6હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય. હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય. 7મેં તમારા માટે શરમ સહન કરી છે, ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે. 8મારા ભાઇઓને મન હું પારકા જેવો છું, અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું. 9કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે. જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે. 10જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું, ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે. 11જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું, ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે. 12ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે. અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે. 13પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે, તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો. 14મને કીચડમાંથી કાઢો, મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ અને દ્વેષીઓથી મારી રક્ષા કરો. 15રેલ સંકટ મારા પર ફરી ન વળે, સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય; અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો. 16હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો. 17તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો. 18હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો! મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો. 19તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા સહન કરવાં પડે છે. મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે. 20નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે, અને હું લાંબુ જીવવા માટે ખૂબ દુર્બળ બની ગયો છું. દિલાસો અને આરામ બતાવનારની રાહ જોઇ પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ. 21ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું, ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો. 22ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને, અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને. 23ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને, અને ભલે તેઓ અંધ બની જાય. અને ભલે તેમની કમરો નબળી બને. 24ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો, તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો. 25તેમનાં ઘરો ઉજ્જડ થાઓ, ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ. 26કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે. 27તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે. તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો. 28જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો, સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો. 29પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું; હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ. 30પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ, અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ. 31અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં તેમને વધુ આનંદ આપશે. 32નમ્ર જનો તે જોઇને આનંદ પામશે, દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો. 33કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે, અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી. 34આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો; સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. 35કારણ, દેવ સિયોનને તારશે અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે; તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે. 36વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે, તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

Choose Theme