નીતિવચનો
Chapter 13
ગુજરાતી બાઇબલ
1જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.
2સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.
3મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
4આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
5સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.
6સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,
7કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.
8ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.
9સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.
10અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.
11સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
12આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
13શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
14જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.
15સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.
16પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.
17એક દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં મૂકાઇ જાય છે; પણ વિશ્વાસુ સંદેશવાહક સાંત્વન લાવે છે.
18શિખામણ ફગાવી દેનારના ભાગ્યમાં ગરીબી અને અપમાન છે, સુધારાઓને સ્વીકારનારને સન્માન મળે છે.
19ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂખોર્ને માટે આઘાત જનક લાગે છે.
20જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.
21દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.
22એક ભલો માણસ પોતાનાં છોકરાંના છોકરાને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન પુણ્યશાળી માટે ભરી મૂકવામાં આવે છે.
23ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે.
24જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.