Home Bibles અયૂબ 13 · ગુજરાતી બાઇબલ ||

અયૂબ

Chapter 13

ગુજરાતી બાઇબલ
1અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું તો મેં મારા કાનેથી સાંભળ્યું છે, અને મારી આંખોએ જોયું છે અને હું એ બધું સમજું છું. 2તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ. તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું. 3પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે. 4તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી. 5તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું! કારણકે એમાં તમારું ડહાપણ જણાત. 6હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો. 7શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે. 8શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો? તમે પક્ષપાત કરો છો તમે દેવનો પક્ષ પસંદ કરો છો કારણકે તે દેવ છે એટલા માટે. 9સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધંુ તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો? 10તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે. 11દેવની મહાનતા તમને નહિ ડરાવે તમે તેનાથી કરશો નહિ? 12તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી. 13હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો. 14ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું. 15આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે, હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ. 16ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી. 17હવે તમે મારી વાત સહેજ ધ્યાનથી સાંભળો. 18હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિદોર્ષ છૂટીશ. 19મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ. 20હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ. 21મને સજા કરવાનું બંધ કરો અને મને ડરાવવાનું બંધ કરો! 22પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો. 23મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો. 24શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો? શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો? 25શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો? શું તમે સૂકા નિરર્થક તણખલાની પાછળ પીછો કરશો? હું તો એવો છું. 26તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો; 27હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો, તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો, અને મારું એકેએક ડગલું તપાસો છો. 28જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”

Choose Theme