Home 1 કરિંથીઓને 5 · ગુજરાતી બાઇબલ

1 કરિંથીઓને

Chapter 5

ગુજરાતી બાઇબલ
1લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે.
2અને હજુ પણ તમે તમારી જાત માટે ગૌરવ અનુભવો છો! તમારે તો ઉદાસીથી ઘેરાઈ જવું જોઈતું હતું. અને પેલો માણસ કે જેણે આવું કામ કર્યુ તેનો તમારા જૂથમાંથી બહિષ્કાર કરવો જોઈતો હતો.
3મારું શરીર ત્યાં તમારી સાથે નથી, પરંતુ આત્મા સ્વરૂપે હું તમારી સાથે જ છું અને જે માણસે આવું પાપ કર્યુ છે તેનો મેં ક્યારનો ય ન્યાય કર્યો છે. હું ત્યાં હાજર હોત અને મે તેનો જે ન્યાય કર્યો હોત તે જ પ્રમાણે મેં તેના ન્યાય કર્યો છે.
4આપણા પ્રભુ ઈસુના નામથી એકઠા થાવ. હું તમારી સાથે આત્મા સ્વરૂપે હોઈશ, અને તમારી સાથે આપણા પ્રભુ ઈસુનું સાર્મથ્ય હશે.
5તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.
6તમે અભિમાન રાખો છે તે સારું નથી. તમે આ કહેવત જાણો છો, “થોડુ ખમીરઆખા લોંદાને ફુલાવે છે.”
7તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે.
8તો ચાલો આપણે આપણું પાસ્ખા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહિ. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે. પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ. આ તો સજજનતા અને સત્યની રોટલી છે.
9મેં તમને મારા પત્રમાં લખેલું કે જે લોકો વ્યભિચારનું પાપ કરતાં હોય તેવા લોકો સાથે તમારી જાતને સંડોવશો નહિ.
10પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો. જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે, અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે, અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે. તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે.
11હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.
12જે લોકો મંડળીના ભાગરૂપ નથી તેવા લોકોને ન્યાય કરવાનું કામ મારું નથી. દેવ તેવા લોકોનો ન્યાય કરશે.
13પરંતુ તમારે જે લોકો મંડળીના ભાગરૂપે છે તેઓને ન્યાય કરવો જ પડશે. શાસ્ત્રલેખ કહે છે, “દુષ્ટ વ્યક્તિને તમારા જૂથમાંથી દૂર કરો.”
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme